નવસારી: નદીઓના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થતા નવસારી જિલ્લા તંત્ર બન્યું સતર્ક
વરસાદના અંક ઉપર બાજ નજર રાખી સમગ્ર તંત્ર દ્વારા જરૂરી આગોતરા પગલાઓ લેતું નવસારી તંત્ર
કલાકે-કલાકે વરસાદ વધારે ઓછો થતા નદીઓના પાણીના સ્તર પણ જાણે નાટકિય રીતે થતો વધારો-ઘટાડો
નવસારી,તા.૨૪: સમગ્ર રાજ્ય સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે નવસારી વહિવટી તંત્ર, પોલીસ વિભાગ સહિત, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે. ત્યારે નવસારી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી પડતા અનરાધાર વરસાદના પગલે તંત્ર એકશન મોડમાં કામગીરી કરી રહ્યું છે. નદીઓના જળસ્તરમાં પણ નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. કલાકે-કલાકે જળસ્તરમાં વધ-ઘટ થઈ રહી છે.
નવસારી જિલ્લાની વાત કરીએ તો, નવસારી જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ આજરોજ તા.૨૪-૦૭-૨૦૨૪ સવારના ૧૦ વાગ્યા સુધી કાવેરી નદી ૧૮.૦૦ ફુટ પાણીની સપાટી સાથે તેના ભયજનક સપાટી ૧૯.૦૦ ફુટથી ફક્ત એક ફુટની દુરી ઉપર હતી. પરંતું બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ઉપરવાસ અને જિલ્લામાં વરસાદ ઓછો થતા હાલ કાવેરી નદી ૧૪.૫૦ ફુટ ઉપર નદી વહી રહી છે. જ્યારે પૂર્ણા અને અંબિકા નદીમાં પાણીનું સ્તર વધી રહ્યું છે.
અંબિકા નદી હાલ ૨૩.૬૧ ફુટ જળ સપાટી સાથે તેની ભયજનક સપાટી ૨૮.૦૦ ફુટથી ૦૪.૩૯ ફુટ દુર છે. આ સાથે પૂર્ણા નદી ૨૧.૫૦ ફુટની સપાટી સાથે તેની ભય જનક સપાટી કુલ-૨૩ ફુટથી ફક્ત ૦૧.૫૦ ફુટ દુર છે.
નવસારી જિલ્લામાં વરસાદના અંક ઉપર બાજ નજર રાખી સમગ્ર તંત્ર દ્વારા જરૂરી આગોતરા પગલાઓ લેવામાં આવી રહ્યા છે. નદીઓના જળસ્તર વધતા અમુક અસરગ્રસ્ત ગામોમાં રહેતા નાગરિકોને સલામત સ્થળે પહોચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જલાલપોર તાલુકાના વાડા ગામમાં કરોડીવાસ ફળીયામાં ૧૨ જેટલા ઘરોમાં અડધાથી એક ફુટ સુધીનું પાણી ભરાતા ૪૦ જેટલા લોકોને ઉંચાણવાળી જગ્યાએ પ્રાથમિક શાળા વાડા ખાતે સ્થળાંતર કરવામાં આવ્યા છે.
નવસારી શહેરમાં રેલ રાહત કોલોની ખાતે ખાડીના પાણી ૨૫ જેટલા ઘરોમાં ભરાય જવાથી રેલરાહત કોલોની ખાતે આવેલ આંગણવાડીમાં તમામ ૨૦ નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. અન્ય ૩૦ જેટલા લોકો આજુબાજુના ઊંચા મકાનોમાં હાલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્થળાંતર કરેલા લોકોની આરોગ્ય તપાસ કરી જરૂરી દવા વિતરિત કરવામાં આવી હતી.
-વૈશાલી પરમાર
*નદીઓના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થતા નવસારી જિલ્લા તંત્ર બન્યું સતર્ક* - *વરસાદના અંક ઉપર બાજ નજર રાખી સમગ્ર તંત્ર...
Posted by Info Navsari GoG on Wednesday, July 24, 2024
Comments
Post a Comment